राज्य

Blog single photo

સુરત : અડાજણ સ્થિત સંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટરની નિ:સ્વાર્થ સેવાથી દર્દીઓ બન્યા ભાવવિભોર

09/05/2021

સુરત,અમદાવાદ, 9 મે ( હિ.સ.) સુરત શહેરમાં એક તરફ કોરોનાની મહામારીએ કાળો કેર વર્તાવ્યો છે.ત્યારે બીજી તરફ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા નિર્માણ કરવામાં આવેલા કોવિડ આઇસોલેશન સેન્ટર દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓ માટે ભગવાન બનીને આવ્યા છે તેમ કહીએ તો અતિશ્યોક્તિ ભરેલું નહીં કહેવાય.શહેરના અડાજણ વિસ્તાર સ્થિત મનપાના દિવાળીબાગ કોમ્યુનિટી હોલમાં આવેલ સંપ્રતિ કોવીડ આઇસોલેશન સેન્ટરની નિ:સ્વાર્થ સેવાથી દર્દીઓ ભાવવિભોર બન્યા છે. રવિવારે અહીંથી સ્વસ્થ થઈને પોતાના નિવાસસ્થાને જતા 15 દર્દીઓને ઉષ્માપૂર્ણ વાતાવરણમાં રજા આપવામાં આવી હતી.
            જૈન સમાજના વિવિધ સંગઠનો દ્વારા આજથી એક મહિના પૂર્વે અહીં સંપ્રતિ કોવીડ આઇસોલેશન સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું.અહીંના તબીબો, કાર્યકર્તાઓની પ્રસંશનીય સેવાના કારણે જોતજોતમાં આ સેન્ટરના તમામ 120 બેડ ફૂલ થઇ ગયા હતા.અહીં, ઓક્સિજન સહિત તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એક મહિનાના ટૂંકા ગાળામાં અંદાજે 400થી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના નિવાસસ્થાને પરત ગયા છે.આ સેન્ટરમાં જૈન સમાજના સાધુ ભગવંતો-સાધ્વીજીઓની સારવાર માટે પણ અલાયદી વ્યસ્થા ઉભી કરવામાં આવી છે.રવિવારે સ્વસ્થ થયેલા 15 દર્દીઓને ધામધૂમ પૂર્વક વિદાય કરવામાં આવ્યા હતા.આ સેન્ટરની સેવાનું વર્ણન કરતા દર્દીઓની આંખો ભીની થઇ જતી હતી. કોરોનાની વિકટ સ્થિતિમાં એક તરફ અમુક તત્વો કાળાબજારનું પાપ કરી રહ્યા છે ત્યારે, આવા સેન્ટરોમાં ચાલતા સેવાયજ્ઞથી હજુ આ કલિયુગમાં પણ માનવતા મહેંકી રહી છે. સુરત શહેરમાં અંદાજે 30થી વધુ આ પ્રકારના આઇસોલેશન સેન્ટરો કાર્યરત છે કે જ્યાં દરેક પ્રકારની સેવા કરવામાં આવી રહી છે.ત્યારે, આ સંપ્રતિ કોવિડ આઇસોલેશન સેન્ટરમાં યુવાનો દ્વારા સમયાંતરે મનોરંજનના કાર્યક્રમોનું પણ આયોજન કરીને દર્દીઓને તેમનું દર્દ ભુલાવી દઈ હળવા કરી દેવામાં આવે છે.

         સેન્ટર અંગે માહિતી આપતા પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહે જણાવ્યું હતું કે આ સેન્ટરમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીની તમામ વયના દર્દીઓ સારવાર લઈને સ્વસ્થ થઇ રહ્યા છે અહીં 4 વર્ષનું બાળક પણ 14 દિવસ રહીને સ્વસ્થ થયું છે તેમજ 12થી વધુ સાધુ-સાધ્વીજી કે જેઓની અહીં અલાયદી વ્યવસ્થા છે તેઓને પણ 14 દિવસની સારવારના અંતે સ્વસ્થ કરી વિદાય કર્યા છે તેમનો અમને આનંદ છે.જયારે પણ અહીંથી કોઈ પણ સ્વસ્થ થઇ તેમના ઘરે જતા હોય ત્યારે અમે ઉપસ્થિત રહી તેમને માનભેર વિદાય કરી તેમની પાસેથી વધુને વધુ સેવા કરવાના આશીર્વાદ માંગીએ છીએ.આ સેન્ટરને સુંદર રીતે ચલાવવામાં સ્થાનિક નગરસેવક કેતન મહેતા સહિત વિવિધ અગ્રણીઓ, કાર્યકર્તાઓનો સતત સહયોગ મળી રહ્યો છે.

હિંદુસ્થાન સમાચાર /  ભાવેશ ત્રિવેદી 


 
Top