राज्य

Blog single photo

કોરોના સંકટમાં પાવાગઢ મંદિરની મોટી જાહેરાત, બનાવશે ઓક્સિજન પ્લાન્ટ

08/05/2021

-હાલોલના તાજપુરા કોવિડ હોસ્પિટલમાં આ ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવશે

અમદાવાદ, 08 મે (હિ.સ.) કોરોના મહામારીમાં સૌ કોઈ મદદ માટે આગળ આવ્યા છે. ગુજરાતમાં અનેક ધાર્મિક સંસ્થાનો પણ મદદ કરી રહી છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખના ખર્ચે ઓક્સિજનનો પીએસએ પ્લાન્ટ દાન કરવાની જાહેરાત કરાઈ છે. હાલોલના તાજપુરા કોવિડ હોસ્પિટલમાં આ ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવશે. કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા અપાયેલા ઓક્સિજન પ્લાન્ટ થકી અનેક કોરોના દર્દીઓને રાહત થશે.

50 લાખના ખર્ચે બનનાર પ્લાન્ટમાં રોજ 100 બોટલ ઓક્સિજન તૈયાર થશે
કાલિકા ટ્રસ્ટ દ્વારા બનાવી આપવામાં આવનાર આ ઓક્સિજન પ્લાન્ટમાં રોજનો 100 બોટલ ઓક્સિજન તૈયાર થશે. આ પ્લાન્ટનુ સિવિલ કામ શરૂ કરીને મશીનરી માટેનો ઓર્ડર આપી દેવાયો છે. પાવાગઢ મંદિર ના સેક્રેટરી રાજુભાઇ ભટ્ટે જણાવ્યુ હતુ કે, " તાજપુરા ખાતે કોરોનાની સારવાર લઇ રહેલ દર્દીઓને, ઓક્સિજનના રૂપમાં માતાજીનો પ્રસાદ લેતા હોવાનો અનુભવ થશે. તાજપુરા કોવિડ હોસ્પિટલની બાજુમાં જ ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશે. યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ છે. 15થી 20 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે."

હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી  


 
Top