राज्य

Blog single photo

સુરતમાં હીરાબજાર-કાપડ માર્કેટ સ્વયંભૂ બંધ : જનજીવન યથાવત

17/04/2021

સુરત, 17 એપ્રિલ ( હિ.સ.) : સુરત શહેરમાં બેકાબુ બનેલા કોરોનાની ચેઇન બ્રેક કરવા માટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરના વિવિધ વેપારી એસોસિએશન દ્વારા શનિવારે સવારના 6 કલાકથી સોમવારે સવારે 6 કલાક સુધી " જનતા શિસ્ત " સ્વરૂપે લોકોને સ્વૈચ્છીક લોકડાઉન પાળવાની અપીલ કરવામાં આવી હતી.આ અપીલના પગલે સુરત શહેરના રિંગ રોડ સહીત વિવિધ વિસ્તારોમાં આવેલી અનેકવિધ  ટેક્સ્ટાઇલ માર્કેટો અને શહેરના મહિધરપુરા અને વરાછા વિસ્તારમાં હીરાની બજારો શનિવાર સવારથી જ બંધ જોવા મળી હતી. જોકે, આ સ્વયંભૂ બંધ અંગે ચેમ્બર અને અન્ય 150 સંસ્થાઓ દ્વારા આમ જનતાને જે અપીલ કરવામાં આવી હતી તેની કોઈ ખાસ અસર લોકો પર પડી નથી.શહેરના લગભગ તમામ વિસ્તારોમાં આ લખાઈ રહ્યું છે ત્યારે જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. ટેક્સ્ટાઇલ અને હીરા ઉદ્યોગ સિવાયના તમામ અન્ય વ્યવસાય રાબેતા મુજબ ચાલી રહ્યા છે અને શહેરના વિવિધ માર્ગો પર પણ  ટ્રાફિક રાબેતા મુજબ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરત હીરા ઉદ્યોગના પ્રોડક્શન યુનિટો આ સ્વૈચ્છીક બંધમાં ન જોડાય હોઈને તે શનિવાર સવારથી જ રાબેતા મુજબ ચાલી રહ્યા છે.શહેરની વિવિધ હીરાબજારોમાં પણ દલાલી સાથે સંકળાયેલા લોકોની પણ અવરજવર પર કોઈ મોટી ખાસ અસર જોવા મળી ન હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.બીજી તરફ સુરત શહેરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ફોગવા સહિતના સંગઠનોએ બે દિવસ માટે વીવિંગ ઉદ્યોગ બંધ રાખવાની અપીલ કરી હતી.પરંતુ, શનિવારે સવારથી જ શહેરના ખટોદરા સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલા વીવિંગ યુનિટો રાબેતા મુજબ ધમધમી રહ્યા છે.
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી અંદાજે 165 માર્કેટો અને 75 હજારથી વધુ કાપડની દુકાનો પર આ સ્વૈચ્છીક બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે.વિવિધ કાપડ માર્કેટના તમામ વ્યવહારો આજના દિવસે બંધ રહ્યા છે. શહેરની વિવિધ ટેક્સટાઇલ માર્કેટના ગેટ ઉપર પાર્સલના ખડકલા જોવા મળી રહ્યા છે.જોકે, એ વાતનો પણ સ્વીકાર કરવો જરૂરી છે કે જ્યારથી આ મહામારી બેકાબુ બની છે ત્યારથી લગભગ તમામ કાપડ માર્કેટો શનિ-રવિ બંધ જ રહે છે ત્યારે, કોરોનાની ચેઇન બ્રેક કરવાનો આ ઉપાય કેટલો કારગત નીવડે છે તે જોવું રહ્યું.શહેરના વીવિંગ યુનિટો સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે હવે આ પ્રકારના સ્વયંભૂ બંધ પોસાય તેમ નથી. માંડ માંડ વ્યવસાયની ગાડી ટ્રેક પર ચાલી રહી છે ત્યારે, સાવચેતી રાખીને ઉદ્યોગ શરૂ રાખવો જ હિતાવહ છે નહિતર લોકો જીવન કેવી રીતે જીવશે ? બીજી તરફ સુરત શહેરના કાપડ વ્યવસાય સાથે જોડાયેલા એક વર્ગનું અમનવું છે કે આવા બે દિવસના બંધથી કઈં જ નહીં વળે.સુરતમાં કોરોનાનું કાળચક્ર રોકવું હોય તો ઓછામાં ઓછા એક સપ્તાહનું લોકડાઉન અતિ જરૂરી છે.
શનિવારના આ બંધ વિષે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ નાવડિયાએ હિંદુસ્થાન સમાચારના સંવાદદાતાને જાણવાયું હતું કે સ્વયંભૂ બંધને કાપડ અને હીરા બન્ને ઉદ્યોગ દ્વારા ખુબ સુંદર પ્રતિસાદ સાંપડી રહ્યો છે.રહી વાત હીરા ઉદ્યોગના ઈન હાઉસની તો તેઓ તેમનું પ્રોડક્શન ચાલુ રાખશે.શહેરની વિવિધ હીરાબજારોમાં થતા સંક્રમણને રોકવા આ અપીલ કરવામાં આવી હતી. જેને વિવિધ હીરા બજારો દ્વારા વ્યાપક સમર્થન મળ્યું છે.
 સુરત શહેરમાં કાપડ અને હીરા ઉદ્યોગમાં આ સ્વૈચ્છીક બંધને સારું સમર્થન મળ્યું હોવાના દાવાઓ થઇ રહ્યા છે.ત્યારે, એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે આમ જનતાનું આ બંધને સમર્થન કેટલું ? શું આ બે ઉદ્યોગ બંધ રહેવાથી કોરોના સંક્રમણની ચેઇન બ્રેક થશે.શહેરના વિવિધ વ્યવસાયો અને માર્કેટો આજે પણ ધધમી રહી છે ત્યારે, સંક્રમણ સામેની લડત કેટલી સફળ રહેશે.સરકાર દ્વારા જો સખ્તાઈથી પગલાં ભરીને લોકડાઉન કરાવમાં આવે તો અને તોજ આ મહામારીને નથી શકાય.અન્યથા સુરતમાં બેકાબુ બનેલા કોરોનાને કાબુમાં લેવો કઠિન છે. 
હિંદુસ્થાન સમાચાર /  ભાવેશ ત્રિવેદી 


 
Top