भारत

Blog single photo

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત..!!

01/05/2021


-એક નહીં પરંતુ 365 દિવસ ગુજરાતી હોવાનો ગર્વ...
-આજે દુનિયાભરમાં વાગે છે ગુજરાતના નામનો ડંકો.....

અમદાવાદ,01 મેં (હિ.સ.) માતૃભૂમિ પર ગૌરવ લેવાનો કોઈ એક દિવસ ન હોય, પરંતુ 365 દિવસ માતૃભૂમિ પર ગૌરવ કરવાનુ હોય. પરંતું 1 લી મેનો દિવસ દરેક ગૌરવવંતા ગુજરાતી માટે, ગર્વનો દિવસ છે.1 લી મે  વર્ષ 1960ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ગુજરાતની સ્થાપના માટે 'મહાગુજરાત આંદોલન' નો મોટો ફાળો છે, તે સૌ જાણે છે. 

------------------------------મહાગુજરાત આંદોલનની શરૂઆત-------------------------------------------

1 લી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ.... આઝાદી બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર સંયુક્ત રાજ્ય હતું જે બૃહદ-મુંબઈના નામથી ઓળખાતુ. આ દિવસે બૃહદ-મુંબઈમાંથી અલગ પડી ગુજરાત રાજ્ય અલગ બન્યુ. ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો સરળતાથી નથી મળ્યો, તેના પાછળ સંઘર્ષની કહાની છે અને તે હતુ મહાગુજરાત આંદોલન. મહાગુજરાત આંદોલન આટલુ સફળ રહ્યુ, તેના માટે ખાંભી સત્યાગ્રહનો મોટો ફાળો રહ્યો છે. મહાગુજરાત આંદોલનનો ઈતિહાસ ખાંભી સત્યાગ્રહથી શરૂ થાય છે.

-------------------------------બૃહદ-મુંબઈમાંથી ગુજરાત અલગ પડ્યુ-----------------------------------------

ભારતમાં ભાષાના આધારે રાજ્યોની રચના કર્યા બાદ, ગુજરાત બૃહદ-મુંબઈ રાજ્યનો એક ભાગ હતુ. પરંતુ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલતા લોકો માટે, એક અલગ રાજ્યની માગ કરી રહ્યાં હતા. પરંતુ સરકારે મહારાષ્ટ્ર-ગુજરાતને ભેગા કરીને એક રાજ્ય જાહેર કરી દીધુ હતુ. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. માટે 1956માં જ નાના પાયે આંદોલનની શરૃઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૃઆત કરી પછી, આંદોલને મોટું સ્વરૃપ ધારણ કર્યું અને છેવટે મહાગુજરાત આંદોલન તરીકે પ્રસિદ્ધિ પામ્યુ. સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા.

-------------------------------જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત-----------------------------

સમગ્ર દેશમાં ગુજરાતનુ વિકાસ મોડલ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો દેશ-વિદેશમાં વેપાર માટે પ્રખ્યાત છે. ગુજરાતી પ્રજા સાહસિક પણ એટલી જ છે. માત્ર ભારતના ખૂણે-ખૂણે નહીં, પરંતુ વિશ્વના દરેક દેશમાં ગુજરાતીઓ જઈને વસ્યા છે. એટલે જ કહેવાય છે કે, તમે વિશ્વમાં ગમે ત્યાં જાવ, ત્યાં તમને ગુજરાતી જરૂર મળી જશે. 

-----------------------------પ્રાચીન ગ્રંથોમાં પણ છે ઉલ્લેખ----------------------------------------------

ગુજરાતનો પ્રાચીન ગ્રંથોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન કાળમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આ આનર્ત પુત્ર રેવત દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ વ્રજ છોડીને સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. કૃષ્ણએ જે નગરી વસાવી હતી, તે સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનુ કહેવાય છે, પરંતુ તેના પુરાવા સમયાંતરે મળતા રહે છે. ગુજરાતના લોથલ અને રામપુર જેવા વિસ્તારોમાંથી હડપ્પન સંસ્કૃતિના અવશેષ મળી આવ્યા છે. થોડો ઈતિહાસ મોર્યવંશમાં પણ મળી આવ્યો છે. ત્યાર પછી મૂળરાજ સોલંકીએ, ગુજરાતમાં સોલંકીવંશની સ્થાપના કરી. અહી ગુર્જર જાતિના લોકોનો મોટો વસવાટ હોવાથી, આ વિસ્તાર ગુર્જર દેશ તરીકે ઓળખાતો હતો. પ્રાચીનકાળમાં ગુજરાતને 'પશ્ચિમ ભારતનુ ઘરેણું' પણ કહેવાતુ હતુ.  

-----------------------------વિશ્વનુ સૌથી મોટું સ્ટેડિયમ અને સૌથી ઊંચી મુર્તિ----------------------------------------

ગુજરાતમાં વિશ્વનુ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આવેલુ છે. હાલમાં અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ વિશ્વનુ સૌથી ઊંચુ ક્રિકેટ સ્ટેડિયમ છે. તેમાં 1 લાખ 10 હજાર દર્શકોને બેસવાની ક્ષમતા છે. તો સરદાર વલ્લભભાઈ પટેલની નર્મદાના સાધુબેટ પર આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેની ઉંચાઈ 181 મીટર છે. 

ક્રુષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલુ જળ છું…
હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું…
વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું…
હા… હું ગુજરાત છુ…!!!”
ગુજરાત સ્થાપના દિનની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…  
જય જય ગરવી ગુજરાત…


હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી 


 
Top