खेल

Blog single photo

યુરોપ પ્રવાસની પહેલી મેચમાં ભારતીય હોકી ટીમે જર્મનીને 6-1થી પછાડ્યુ...

01/03/2021

નવી દિલ્હી, 01 માર્ચ (હિ.સ.)    ભારતીય પુરૂષોની હોકી ટીમે યુરોપના ચાર મેચના પ્રવાસની વિજયી શરૂઆત કરતા,  મેચમાં જર્મનીને 6–1થી  પરાજિત કર્યું હતુ. ભારતીય ટીમ તરફથી નીલકાંત શર્મા (13 મી મિનિટ), વિવેક સાગર પ્રસાદ (27 મી અને 28 મી મિનિટ), લલિતકુમાર ઉપાધ્યાયે (41 મી મિનિટ), આકાશદીપ સિંઘ (42 મા મિનિટ) અને હરમનપ્રીત સિંઘ (47 મી) ગોલ કર્યા હતા. 

ભારતીય પુરુષ હોકી ટીમની, લગભગ 12 મહિનાના અંતરાલ પછી આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હતી. આ મેચમાં ભારતીય ટીમે આક્રમક શરૂઆત કરી અને જર્મની પર દબાણ બનાવ્યુ. 

મેચની 13 મી મિનિટમાં ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર મળ્યો, અને મિડફિલ્ડર નીલકાંતે,  પ્રથમ ગોલ કરવાની તકનો લાભ લીધો. જો કે, મિનિટો પછી, જર્મન ફોરવર્ડ કોનસ્ટાંટીન સ્ટાએબે એ, ગોલ કરીને સ્કોર 1-1 થી બરાબર બનાવ્યો હતો. 

ભારતીય ટીમ માટે, વિવેકે 27 મી અને 28 મી મિનિટમાં સતત બે ગોલ કર્યા, અને હાફ ટાઇમ સુધી 3-1 થી સ્કોર બનાવી દીધો. ત્રીજા ક્વાર્ટરમાં જર્મનીએ ફરીથી છ પેનલ્ટી કોર્નર જીત્યા. પરંતુ શ્રીજેશે, શાનદાર પ્રદર્શન કરીને ગોલ થતા રોકી દીધા હતા. આ પછી, ભારતીય ફોરવર્ડ ખેલાડીઓ લલિત અને આકાશદીપે, અનુક્રમે 41 મી અને 42 મી મિનિટમાં ગોલ કરીને, ભારતની લીડ 5-1 થી વધારી દીધી. આ પછી હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર મેળવી, અને 47 મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 6-1  બનાવી દીધો. 

વિશ્વની નંબર -4 જર્મનીની ટીમ, નિર્ધારિત સમય સુધી અન્ય કોઈ ગોલ કરી શકી ન હતી અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત અને જર્મની વચ્ચે બીજી મેચ મંગળવારે રમાશે. 

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી 


 
Top