राज्य

Blog single photo

લેબ કર્મચારીઓનુ આંદોલન- ૧૦ દિવસમાં જો નિર્ણય ન લેવાય તો હડતાળ પાડશે

08/05/2021

 ગાંધીનગર, અમદાવાદ, 08 મે (હિ.સ. )  સમયસૂચકતાના અભાવ અને બેદરકારીને લીધે, કોરોનામાં  દર્દીઓ અને તેમના પરિવારજનોનો રોષ ભોગવી રહેલી રાજ્ય સરકાર, પહેલેથી અનેક સમસ્યાઓ વચ્ચે ઘેરાઈ છે અને કોરોનાના હાલના કપરા સમયમાં, સરકારની હાલત એક સાંધે ત્યાં તેર તુટે એવી થઈ છે. કારણકે સમજાવટ બાદ માંડ તબીબી શિક્ષકો-ડોક્ટરોએ  આંદોલન પડતુ મુકી હડતાળ પાછી ખેંચી છે, ત્યાં હવે લેબોરેટરીમાં કામ કરતા કર્મચારીઓએ આંદોલન શરૃ કર્યુ છે.
 
રાજ્યની સરકારી મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં ૪૫૦ થી વધુ લેબ ટેકનિશિયન અને લેબ આસિસન્ટ કર્મચારીઓ, છેલ્લા ઘણા સમયથી કાયમી ન થતા સરકારનો વિરોધ કરી રહ્યા છે. વર્ગ-૩ના આ કર્મચારીઓની ૨૦૧૩મા સીધી ભરતીથી નિમણૂંક કરવામા આવી હતી અને  પાંચ વર્ષ  બાદ કાયમી કરવાનો નિયમ છતાં, હજ સુધી તેઓને કાયમી કરવામા આવ્યા નથી. લેબોરેટરી આસિસન્ટ અને ટેકનિશિયન્સની ફરિયાદ છે કે, અનેકવાર રજૂઆતો અને વિરોધ છતાં પણ સરકાર તેઓનું સાંભળતી નથી.કોરોનામાં છેલ્લા એક વર્ષથી વિવિધ પ્રકારના ટેસ્ટિંગમાં દિવસ-રાત ખડે પગે લેબ ટેકનિશિયન્સ અને લેબ આસિસન્ટટન્સ સેવા આપી રહ્યા છે. તેમાં છતાં તેઓને તેમનો હક પણ આપવામા આવતો નથી.

બી.જે.મેડિકલ કોલેજના ડીન તેમજ ડેન્ટલ કોલેજના ડીન, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ અને જો દસ દિવસમાં તેઓ માટે કોઈ નિર્ણય સરકાર નહી લે અને કાયમીના ઓર્ડર નહી કરે તો ૧૭મી બાદ તમામ લેબોરેટરી આસિસ્ટન્ટ અને ટેકનિશિયન્સ હડતાળ પર ઉતરશે તેવી પણ ચીમકી આપવામા આવી છે.


હિન્દુસ્થાન સમાચાર / રેશ્મા નિનામા / માધવી 


 
Top