राज्य

Blog single photo

સુરત : રાંદેર ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા સઘન ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ

09/05/2021

સુરત, અમદાવાદ,  9 મે ( હિ.સ.)   સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના સંક્રમણ પર કાબુ આવી રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.તેની પાછળ મનપા દ્વારા કરવામાં આવી રહેલા સઘન ટેસ્ટિંગને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.શહેરમાં રવિવારે અડાજણ વિસ્તારમાં પટેલ પ્રગતિ મંડળની સામે સુરભી ડેરી પાસે મનપા દ્વારા ધન્વંતરિ રથ ઉભો રાખીને સઘન ટેસ્ટિંગ ધરવામાં આવ્યું હતું અને સાથે સાથે સઘન કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.

 સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના કારણે હાહાકાર મચ્યો છે.છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે.રાજ્યમાં અમદાવાદ બાદ સુરત શહેર-જિલ્લામાં સૌથી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ નોંધાઈ રહ્યા છે.ત્યારે, સુરત શહેરમાં પણ એક સપ્તાહથી કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.સતત સઘન ટેસ્ટિંગના કારણે શહેરમાં સ્થિતિ સુધરી રહી હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. શહેર મનપા દ્વારા વિવિધ ઝોનમાંના આંતરિક વિસ્તારોમાં ધન્વંતરિ રથ દ્વારા સઘન ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.ત્યારે, રવિવારે રજા હોવા છતાં મનપા અડાજણ સ્થિત પટેલ પ્રગતિ મંડળની સામે ધન્વંતરિ રથ દ્વારા સઘન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

 આ અંગે રાંદેર ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો.કેતન ગરાસિયાએ જણાવ્યું હતું કે, અમે જે તે સ્થળ પર ધન્વંતરિ રથ ઉભો રાખીને ટેસ્ટિંગની સાથે સાથે આસપાસના ઘરો અને દુકાનોમાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે. આ દરમિયાન કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓનું  કોન્ટેક ટ્રેસીંગ કરવામાં આવે છે.તેના સંપર્કમાં આવેલા દર્દીઓનું ટ્રેસીંગ હાથ ધરી તેમના ટેસ્ટિંગ કરવામાં આવે છે.પોઝિટિવ આવેલા દર્દીઓને આઇસોલેટ કરી હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવે છે અને તેમની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ રીતે સતત ટેસ્ટિંગ પ્રક્રિયાના કારણે શહેરમાં હાલ સંક્રમણ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર મનપાની ધન્વંતરિ રથ-સંજીવની રથ દ્વારા ટેસ્ટિંગ, વોર રૂમ, એક્ટિવ સર્વેલન્સ, રેગ્યુલર સર્વેલન્સ, કન્ટેનમેન્ટ સર્વેલન્સ, કોમ્બિંગ સર્વેલન્સ, કોન્ટેક ટ્રેસીંગ સહિતની એક્ટિવિટીઝના કારણે સુરતની સ્થિતિ હાલ સુધરી છે અને શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે.સુરત શહેરમાં હાલ પોઝિટિવિટીનો રેટ 26 ટકાથી ઘટીને 3 ટકા પર પહોંચ્યો છે.વિશેસજ્ઞોના મતે શહેરમાં બીજી લહેર ઓસરી રહી છે અને હવે સંભવિત ત્રીજી લહેર માટે મનપાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો આ સાચું હોય તો શહેરીજનો માટે આ વાત અતિ રાહતરૂપ ગણાશે.

હિંદુસ્થાન સમાચાર /  ભાવેશ ત્રિવેદી 


 
Top