राज्य

Blog single photo

બારડોલી ખાતે "મારૂં ગામ, કોરોના મુક્ત ગામ" અભિયાનની સમીક્ષા બેઠક યોજાઈ

07/05/2021

સુરત, 7 મે ( હિ.સ.)  આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણીની અધ્યક્ષતામાં બારડોલી સર્કિટ હાઉસ ખાતે ‘‘મારૂં ગામ, કોરોનામુક્ત ગામ’’ અભિયાનની કામગીરીની સમીક્ષા-માર્ગદર્શન માટે જિલ્લાના સંગઠન પદાધિકારીઓ, સહકારી અગ્રણીઓ અને વહીવટીતંત્ર, આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. 
બેઠકમાં આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા રાજ્ય સરકાર યોગ્ય દિશામાં અને સ્પષ્ટ રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજ્યના તમામ ગામોમાં કોરોનાના સંક્રમણને ગામમાં જ દબાવી દેવા રાજ્ય સરકારે “મારૂં ગામ, કોરોનામુક્ત ગામ”  અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતના ગામડાઓને સંપૂર્ણ કોરોનામુક્ત કરવા આ 15 દિવસનું અભિયાન ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. સુરત જિલ્લામાં 12 CHC અને 55 PHCના સહયોગથી તેમના વિસ્તારમાં આવતા 545 ગ્રામ પંચાયતોમાં અભિયાનને વેગવાન બનાવાશે. દરેક ગામના વડીલો-યુવાનોની ટીમ બનાવીને કામ કરીશું તો ચોક્કસ ગામોને કોરોનામુક્ત કરી શકીશું .તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને સંકલન સાધી યુદ્ધના ધોરણે કામ પર લાગી જવા તેમણે અનુરોધ કર્યો હતો.
 મંત્રીએ જણાવ્યું કે, જિલ્લાની આરોગ્ય ટીમના સહયોગથી ગામમાં તાવ, શરદી અને ઉધરસવાળા દર્દીઓને ગામના અલાયદા આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવશે, જેથી પરિવાર કે અન્ય ગ્રામજનો સુધી સંક્રમણ ન ફેલાય. આઈસોલેટ દર્દીઓનો કોરોના ટેસ્ટ કરવા અને તેમાંથી કોઇ પોઝિટીવ આવે તો ગામમાં જ અલગ સારવાર આપવાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 
બેઠકના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાએ ગત 1મે થી શરૂ કરવામાં આવેલા આ અભિયાનની કામગીરી અને આયોજનની વિગતો આપી હતી.બેઠકમાં સાંસદ  પ્રભુભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરી, પ્રાંત અધિકારી રબારી, મામલતદાર જિજ્ઞા પરમાર સહિત જિલ્લા, તાલુકા પંચાયત સદસ્યો, આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિંદુસ્થાન સમાચાર /  ભાવેશ ત્રિવેદી 


 
Top