राज्य

Blog single photo

સુરત : ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બ્લડ-પ્લાઝમા ડોનેશન કેમ્પ યોજાયો

09/05/2021

સુરત, અમદાવાદ ,9 મે ( હિ.સ.) વર્તમાન પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારની કટોકટી કે જે ઓકિ્‌સજનની હોય કે પછી રક્ત – પ્લાઝમાની હોય તેને પહોંચી વળવા માટે સતત સમાજની પડખે રહીને દરેક પ્રકારની સમસ્યાના સમાધાન માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહયા છે. આ પ્રયત્નના ભાગ રૂપે ગત રવિવારની જેમ આજે પણ  સવારે ૧૦ થી બપોરે ર ના સમયગાળા દરમ્યાન વરાછા રોડ સ્થિત લોક સમર્પણ રકતદાન કેન્દ્ર તથા ઉધના મગદલ્લા રોડ સ્થિત સુરત રકતદાન કેન્દ્ર ખાતે રક્તદાન અને પ્લાઝમા ડોનેશન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કોરોના તથા અન્ય દર્દીઓ માટે રકત તેમજ પ્લાઝમાની અછત નહીં વર્તાય તે માટે ચેમ્બર દ્વારા રકતદાન અને પ્લાઝમા ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહયું છે. ગત રવિવારે પણ ઉપરોકત બંને સ્થળે ચેમ્બર દ્વારા આ શિબિરો યોજાયા હતા અને આજે પણ ઉપરોકત બંને સ્થળે રક્તદાન – પ્લાઝમા ડોનેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરાછા સ્થિત લોક સમર્પણ રકતદાન કેન્દ્ર ખાતે 51 રકતદાતાઓએ રકતદાન કર્યું હતું. જ્યારે 4 દાતાઓએ પ્લાઝમાનું દાન કર્યું હતું. તદુપરાંત સુરત રકતદાન કેન્દ્ર ખાતે 26 રકતદાતાઓએ રકતદાન કર્યું હતું અને 10  દાતાઓએ પ્લાઝમાનું દાન કર્યું હતું.ઉપરોકત બંને શિબિરોમાં રકતદાન કરનારા દાતાઓને ‘ચેમ્બર ઓફ કોમર્સ પ્રમાણપત્ર’દ્વારા વિશેષ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત પ્લાઝમા દાન કરનારાઓનું પણ ચેમ્બર દ્વારા આગામી દિવસોમાં વિશેષ સન્માન કરાશે. આગામી રવિવારના રોજ પણ રાબેતા મુજબ ઉપરોકત બંને સ્થળે રકતદાન અને પ્લાઝમા ડોનેશન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ લોકોને રકતદાન અને પ્લાઝમા ડોનેટ કરવા માટે ચેમ્બર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

હિંદુસ્થાન સમાચાર /  ભાવેશ ત્રિવેદી 


 
Top